ચા અને ટોસ્ટ / The Table Talks

1) જવાહરલાલ નહેરુ

ચીને તિબ્બત પર આક્રમણ કર્યું ત્યારે એણે હિમાલયનો કેટલોક ભારતીય પ્રદેશ પચાવી પાડ્યો. એ અંગે સંસદમાં ઘણો ઊહાપોહ થયો હતો. વિપક્ષી સભ્યોએ નહેરુની ઢીલાશ અને નિષ્ક્રિયતા અંગે તીવ્ર આક્ષેપો કર્યા હતા. એનો જવાબ આપવા નહેરુજી આવેશમાં આવી ગયા અને બોલ્યા : ‘મને એ સમજાતું નથી કે જે જમીન પર ઘાસનું એક પણ તણખલું ઊગતું નથી એ જમીન માટે તમે લોકો આટલો બધો હોબાળો શા માટે કરો છો ?

એ સાંભળીને મહાવીર ત્યાગી પોતાની ખુરશી છોડીને સીધા-સટાક ઊભા થઈ ગયા. પોતાના માથા પર પહેરેલી ખાદીની ટોપી ઉતારી નાખી અને પોતાની ટાલ બતાવતા બોલ્યા : ‘પંડિતજી ! આ મારી ટાલ જુઓ. અહીં એક પણ વાળ હવે ઊગતો નથી. એથી શું આ મારું માથું કપાઈ જવા દેવું ?’ અને સંસદભવનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. નહેરુ પણ ખડખડાટ હસી પડ્યા.

2) વલ્લભભાઈ પટેલ

ચરોતરના પાટીદાર કુટુંબની એક કન્યાના વિવાહ માટે વર-પરિવારની વ્યક્તિઓ સાથે દહેજની વાટાઘાટો ચાલતી હતી. પણ દહેજની રકમ અંગે કોઈ સમજૂતી સધાતી નહોતી. સરદાર વલ્લભભાઈ પટેલને આ બાબતની જાણ થતાં, તેઓ ગુસ્સે થયા, અને વર-કન્યા બંનેનાં મા-બાપને બોલાવીને તાડૂક્યા : ‘તમે લોકો દહેજની ભાટાઈ અને ભાંજગડ છોડો અને વર-કન્યાને શુક્રવારીમાં મૂકી દો ! ત્યાં જે ભાવ નક્કી થાય તે ફાઈનલ !’

3) ભૂલાભાઈ દેસાઈ

ગાંધીયુગના સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈ દેસાઈએ ઘણી જ ઓછી ઉંમરમાં વકીલાતની શરૂઆત કરી દીધી હતી. કોર્ટમાં અન્ય વયોવૃદ્ધ વકીલો ને જજોની સામે તેઓ એક છોકરડા જેવા દેખાતા હતા. એક વાર એક અંગ્રેજ જજે એમની મશ્કરી કરતાં કહ્યું : ‘મિ. ભૂલાભાઈ ! યુ આર એ ચાઈલ્ડ ઈન લૉ !’
એ સાંભળીને ભૂલાભાઈએ તરત જ જવાબ આપ્યો : ‘યુ આર રાઈટ માય લોર્ડ ! આઈ એમ એ ચાઈલ્ડ ઈન લૉ ઍન્ડ યુ આર એ ફાધર ઈન લૉ !’

4) આલ્બર્ટ આઈન્સ્ટાઈન

આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાના સિદ્ધાંતની શોધ કરી ત્યારે સર્વત્ર તેમનો આદર થવા લાગ્યો. એ અંગે કટાક્ષ કરતાં તેમણે કહ્યું : ‘આજે જર્મનીમાં એક જર્મન વૈજ્ઞાનિક તરીકે મારો આદર થાય છે અને ઈંગ્લૅન્ડમાં એક પરદેશી યહૂદી તરીકે. પણ જો મારો સિદ્ધાંત ખોટો સાબિત થાય, તો જર્મન લોકો મને એ કહીને ધુત્કારશે કે, ‘એ એક પરદેશી યહૂદી છે !’ અને અંગ્રેજ લોકો એ કહીને ધુત્કારશે કે, ‘એ એક જર્મન છે !’ એટલું કહીને હસતાં-હસતાં એમણે ઉમેર્યું : ‘આ બાબત મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો રજૂ કરે છે !’

5) ચાર્લી ચેપ્લિન

હાસ્યસમ્રાટ ચાર્લી ચેપ્લિનના જીવનનો આ પ્રસંગ છે. એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન મૅસ સેનેટે ચાર્લીને પૂછ્યું : ‘તને મોટરસાઈકલ ચલાવતાં આવડે છે ?’
‘અરે ! એમાં શું ?’ ચાર્લીએ પોતાની લાક્ષણિક અદાથી આંખો નચાવતાં કહ્યું : ‘મોટરસાઈકલ પર તો મેં આખા લંડન શહેરની પ્રદક્ષિણા કરી છે !’ અને પોતાની આ વાતનું પ્રમાણ રજૂ કરવા એણે ત્યાં ઊભેલી બાઈક ઉપાડી. મૉબેલ નૉર્મન્ડને પાછલી સીટ પર બેસી જવા કહ્યું ને ગાડી સ્ટાર્ટ કરતાંની સાથે જ એની ગતિ વધારવા લાગ્યો. મૉબેલનો જીવ અદ્ધર થઈ ગયો. એણે ચાર્લીને ગતિ ઓછી કરવા કહ્યું. પણ ચાર્લી એવું કરી શક્યો નહીં.

એ પછીની બીજી ક્ષણે તો મોટરસાઈકલ એક ઝાડ સાથે અથડાઈ ગઈ. બંને જણ એક ખાડામાં જઈ પડ્યા. આ આઘાતમાં ચાર્લી બેભાન થઈ ગયો. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે એણે પોતાના ખરડાયેલા ચહેરે અત્યંત નિર્દોષભાવે કહ્યું : ‘મને એમ કે સાઈકલ અને મોટરસાઈકલ વચ્ચે કોઈ વધારે તફાવત નહીં હોય !’

6) વિનોબા ભાવે

એક આશ્રમવાસીએ વિનોબા ભાવેને કહ્યું : ‘બાબા ! અમને ગ્રામોદ્યોગના ચોખા ખાવામાં વાંધો નથી, પણ એમાં ઘણી વાર જીવડાં જલ્દી પડી જાય છે !’
વિનોબાએ હસતાં-હસતાં જવાબ આપ્યો : ‘અરેરેરે ! જીવડાં જેવાં જીવડાં પણ એ સમજે છે કે, હાથછડના ચોખા, મિલના ચોખા કરતાં વધુ ગુણકારી છે ! અરે ભાઈ, તમારા જેવા માણસને એ નિર્ણય કરવામાં આટલી મુશ્કેલી નડે છે ?’

7) ચાર્લ્સ એડિસન

ચાર્લ્સ એડિસન, એ વીજળી અને ગ્રામોફોનના આવિષ્કર્તા આલ્વા એડિસનના જ્યેષ્ઠ પુત્ર હતા. એક પાર્ટીમાં એમના યજમાને ઉપસ્થિત મહેમાનો સામે એમનો પરિચય આપતાં કહ્યું : ‘મિ. ચાર્લ્સ, એ લાયક પિતાના એક લાયક પુત્ર છે. એમણે પોતાના પિતા આલ્વા એડિસનની ઝળહળતી કીર્તિ જીવંત રાખી છે.’ ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા. એ પછી સહુનો આભાર માનતા ચાર્લ્સે કહ્યું : ‘અહીં મારી જે પ્રશંસા કરવામાં આવી છે, એવી ને એટલી લાયકાત મારામાં નથી. ખરેખર તો હું મારી જાતને મારા પિતાના પ્રારંભના અખતરામાંનો જ એક ગણું છું.’

8) આચાર્ય રામચન્દ્ર શુક્લ

હિંદી સાહિત્યના પ્રખર વિદ્વાન આચાર્ય રામચન્દ્ર શુક્લ લખનૌના અમીનાબાદ પાર્કમાં ફરવા ગયા હતા. રસ્તામાં ઊભેલા એક ભિખારીએ હાથ લંબાવીને એમને કહ્યું : ‘સાહેબ ! આપકી ટોપી ઊંચી રહે !’ આવું સુંદર વાક્ય સાંભળીને સાહિત્યરસિક આચાર્યજીનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ભિખારીને એક રૂપિયો આપતાં રમૂજમાં પૂછ્યું : ‘કોઈ મહિલા પાસે ભીખ માગે, ત્યારે શું કહે છે ?’

એ ભિખારી એમનું મોં જોઈ રહ્યો. કોઈ જવાબ આપી શક્યો નહિ. ત્યારે આચાર્યજીએ હસતાં-હસતાં કહ્યું : ‘એમને એમ કહેવાનું કે મેમસાહેબ, આપકી એડી ઊંચી રહે !’ એ સાંભળીને ભિખારી હસી પડ્યો.

9) ટ્રિસ્ટન બર્નાર્ડ

સાહિત્યની એક સભા સમક્ષ પોતાનું પ્રવચન આપવા જતાં પહેલાં એક નવોદિત લેખકે ફ્રાન્સના નાટ્યકાર ટ્રિસ્ટન બર્નાર્ડને પૂછ્યું : ‘ભાષણની સમાપ્તિ કેવી રીતે કરવી એ અંગે આપની શું સલાહ છે ?’
‘એ તો સાવ સહેલું છે.’ ટ્રિસ્ટને કહ્યું અને મલકાતાં-મલકાતાં ઉમેર્યું, ‘તમારા કાગળિયાં એકઠાં કરવાં, શ્રોતાઓને નમન કરવું અને એકદમ બિલ્લીપગે ત્યાંથી ચાલ્યા જવું.’
‘બિલ્લીપગે શા માટે ?’
ટ્રિસ્ટને પોતાની નજરોમાં તોફાન પ્રગટ કરતાં જવાબ આપ્યો, ‘એ લોકો જાગી ન જાય એટલા માટે.’

Advertisements

One thought on “ચા અને ટોસ્ટ / The Table Talks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s